લોથલ : વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ લોથલમાં બનશે

લોથલ : ગુજરાતને આગામી સમયમાં મળવા જઈરહી છે સૌથી મોટી ભેટ, વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઇમ હેરીટેઝ મ્યુઝીયમ લોથલમાં બનશે.

નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ

આમ જોવા જઈએ તો આપણને પુરાતત્વીય ખોદકામથી ઐતિહાસિક પ્રાસંગિકતાના અનેક સ્થળો મળી આવ્યા છે. જેમાં ભારતના ગૌરવ સમાન આ કેન્દ્રોમાં ધોળાવીરા અને લોથલનો પણ સમાવેશ થાય છે. જે ગુજરાતની એક ધરોહર છે, પ્રાચીન સમયમાં લોથલ, ભારતની સમુદ્રી ક્ષમતાનું સમૃદ્ધ કેન્દ્ર હતું. લોથલમાંથી ખોદકામ દરમિયાન મળેલા શહેરો, બંદરો અને બજારોના અવશેષોના શહેરી આયોજનમાંથી આજે ઘણું શીખી શકાય તેમ છે. આવા ‘લોથલ’ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) આકાર પામી રહ્યું છે. રૂપિયા 4,500 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ કોમ્પલેક્ષમાં બનનારુ મ્યુઝિયમ’ માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી બનશે.

નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ : દેશના પીએમ નરેન્દ્ર મોદીના સક્ષમ માર્ગદર્શન હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ (NMHC)નું ગુજરાતના અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોથલ ખાતેનું ડોક્યાર્ડ વિશ્વનું સૌપ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ છે જેને આજથી આશરે 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ભારત દેશના મેરીટાઈમ ઇતિહાસ અને ટેકનોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારુ આ હેરિટેજ કોમ્પ્લેક્ષ લોકો માટે એક દર્શનીય સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનો અનુભવ બનશે.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને તેને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવી તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે, તેમ જ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે એ પણ એટલું જ નિશ્ચિત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં ‘પંચ પ્રણ’ વિશે વાત કરી હતી અને તેમાં વડાપ્રધાન શ્રીએ ‘આપણા વારસા માટે ગૌરવ’ની વાતને રેખાંકિત કરી હતી અને જણાવ્યું હતું કે આપણો સમુદ્રી વારસો આપણા પૂર્વજો દ્વારા આપણને સોંપવામાં આવેલો આવો જ એક વારસો છે.

“આપણા ઇતિહાસની એવી ઘણી ગાથાઓ છે, જે વિસરાઇ ગઇ છે અને તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે તેને સાચવવાના માર્ગો શોધી શકાયા નથી. ભારતનો સમુદ્રી વારસો પણ આવો જ એક વિષય છે જેના વિશે અત્યાર થવી સુધી જોઈએ એટલી ચર્ચા કરવામાં આવી નથી. તેને પગલે કેન્દ્ર સરકારના શીપીંગ વિભાગ દ્વારા ભવ્ય મ્યુઝિયમનું નિર્માણકાર્ય ચાલુ છે.

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ અમદાવાદથી ૭૫ કિલોમીટર દૂર આવેલા લોથલમાં આકાર પામી રહ્યું છે. જ્યાં રોડ-માર્ગ મારફતે આરામથી પહોંચી શકાય છે. અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લોથલથી સૌથી નજીક આવેલું એરપોર્ટ છે. કુલ 400 એકરના વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ થશે.

આ પ્રોજેક્ટનું નિર્માણ 3 ભાગમાં કરવામાં આવશે. પ્રોજેક્ટના પહેલા ભાગનું કાર્ય હાલ ચાલુ છે. આ પ્રોજેક્ટમાં દુનિયાનું સૌથી વિશાળ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ બનશે. દુનિયાના સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ આ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવશે.

દુનિયાની સૌથી મોટી ઓપન એક્વેટીક ગેલેરી પણ આ જ કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવશે. ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવા માટે વિશ્વકક્ષાના આ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક વિશ્વકક્ષાના મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે. તે મેરીટાઈમ સ્થાનોને તથા તેના ભવ્ય ઇતિહાસને રજુ કરતાં સ્થળનો અનુભવ કરાવશે. આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમના માસ્ટર પ્લાનની ડિઝાઇન મુલાકાતીઓને એક ભવ્ય મેરીટાઈમ ઇતિહાસમાંથી પસાર કરાવશે જેમાં શિક્ષણ, મનોરંજન અને આરામદાયક સમયની અનુભૂતિ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન સમયમાં લોથલ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર જ ન હતું, પરંતુ તે ભારતની સમુદ્રી શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક પણ હતું. એક સમય એવો હતો જ્યારે લોથલ બંદર ૮૪ દેશોના ધ્વજથી ચિહ્નિત હતું અને વલભી 80 દેશોના વિદ્યાર્થીઓનું ઘર હતું.

આ પણ ખાસ વાંચો :

ખેડૂતલક્ષી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક માટે લીધો મહત્વનો નિર્ણય

“મેરી માટી મેરા દેશ” : શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરાશે

Taali ટીઝર લોન્ચ : સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી

ISRO Satellite Launch Video : ISROએ લોન્ચ કર્યા સિંગાપુરના 6 સેટેલાઇટ્સ, જુઓ ઓનબોર્ડ વ્યુ વિડીયો

Leave a Comment